ચાંદની ને ચાહનારા તો હજારો હોય છે, સ્પર્શવાનો ચાંદને કેવળ ઈજારો હોય છે.
ચાંદની ને ચાહનારા તો હજારો હોય છે,
સ્પર્શવાનો ચાંદને કેવળ ઈજારો હોય છે.
હોય તૃષ્ણાનો વિષય તો કોઈ ચાતક ને પૂછો,
એક ટીપાંનો એ કેવો ઠગઠગારો હોય છે.
આ જગતમાં દુશ્મની મળશે નહીં સહેલાઇથી,
પ્રેમની તો હરતરફ ખુલ્લી બજારો હોય છે.
એજ સાબિતી મળે છે શ્વાસ ને ઉછ્સ્વાસથી,
લઇ બધું લે છે પરત જે આપનારો હોય છે.
છે નદી, ઢળતો સુરજ, ઠંડી હવા પણ તું નથી,
એકદમ નિષ્પ્રાણ એ આખો નઝારો હોય છે.
આ 'હૃદય' નામે મહેલ જેવી અમે રાખી જગા,
દોસ્તો માટે સતત જ્યાં આવકારો હોય છે.
સાંભળીને લોરીઓ જ્યાં રાત પોઢી જાય છે,
ઝૂલણાથી જાગતી ત્યાંની સવારો હોય છે
- ભાર્ગવ ઠાકર