હવે બેસી નથી રહેવું
બધું મનમાં દબાવીને હવે બેસી નથી રહેવું.
ફરી ગરદન ઝુકાવીને હવે બેસી નથી રહેવું.
કરીછે જંગની શરુઆત એણે, અંત હું આપીશ,
ફકત બાંયો ચડાવીને હવે બેસી નથી રહેવું.
કલમ ઉંચકી શકુંછું તો સુદર્શન પણ ગ્રહી શક્શું,
બધા શસ્ત્રો સજાવીને હવે બેસી નથી રહેવું.
નથી ઉપદેશ દેવા, કર્મથી લોકોમાં પુજાશું,
અહીં ધુણી ધખવીને હવે બેસી નથી રહેવું.
કર્યોછે પ્રેમ તો જાહેરમાં એને સ્વિકારીશું,
તને મનમાં વસાવીને હવે બેસી નથી રહેવું.
-ભાર્ગવ ઠાકર